પવન એક ગરીબ ઘર નો દીકરો હતો. તેના પિતાજી છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગરીબ ઘરનો હોવાથી સુખ સુવિધાથી વંચિત હતો. અને ભણવામાં પણ ધ્યાન મધ્યમ રહેતું, છતાં પણ સરકારી સહાયના હિસાબે એન્જીનીયરની પરીક્ષા આપી હતી. તેની જરૂરિયાત તેના પિતા બહુ તકલીફ ભોગવીને પુરી કરતા.
અને પવન પણ પિતાજી ની સાથે મજૂરી કરવા ચાલ્યો જતો. અને ગામ ના શ્રીમંતો ના ઘર માં પણ મજૂરી નું જે પણ કામ હોય તે બધું કરતો. પરીક્ષા ના પરિણામમાં પવન નાપાસ થયો હતો, અને ખૂબ ઉદાસ રહેતો. કારણ કે તેના પિતાજી એ તેને ખૂબ માર માર્યો અને ગુસ્સે થયા હતા. અને કહ્યું કે તું પણ મારી જેમ મજૂરી એ લાગી જા, ભણવું એ તારા બસની વાત નથી ભણી ને તું ક્યાં કોઈ મોટો સાહેબ બની જવાનો છે, ભણેલા પણ નોકરી માટે ધક્કા ખાઈ રહ્યા છે.
પવનને આ બધું સાંભળી ને રાત્રે નીંદર પણ આવતી નહિ, અને ખાટલા પર સૂતો રહેતો. અને વિચારતો કે હું પણ પિતાજી ની જેમ જ આખી જિંદગી મજૂરી જ કરીશ. શું મારી માં આખી જિંદગી લોકો ના કપડાં વાસણ સાફ કરતી રહી, અને શેઠાણી ના મેણાં ટોણા સાંભળતી રહી. અને મારા માં એવી શું ખામી છે કે નાપાસ થયો?
જે પાસ થયા એ પણ મારા જેવા જ છે, તેના મગજ પણ મારા જેવા જ છે, તો મારા માં શું ખામી છે? અને આમ ને આમ રાત પસાર કરી નાખતો તેની નીંદર જાણે પાંખો લગાડીને ઉડી ગઈ હતી… બસ આજ વિચાર થી સવારે જાગી ને તૈયાર થઇ ને ભગવાન પાસે પ્રાર્થના કરી ને બહાર જતો હતો.
ત્યાં જ તેના પિતાજી એ કહ્યું સવાર સવાર માં તૈયાર થઇ ને ક્યાં જઈ રહ્યો છે? મારી સાથે આવવાનું છે મજૂરી કામમાં, ત્યારે પવને એકદમ શાંતિ થી કહ્યું પિતાજી હું તમારી સાથે મજૂરી કરવા નહિ આવું. હું કામ થી બહાર જઈ રહ્યો છું. આટલું બોલી ને ઘરે થી નીકળી ગયો અને ગામ ના સરપંચ ને ત્યાં ગયો જે અતિ પૈસાદાર અને ભણેલ ગણેલ નવયુવાન હતો. અને તેની પત્ની પણ વિદ્વાન હતી.
પવન એ સરપંચના હાથ જોડીને નમ્ર વિનંતી કરી અને કહ્યું કે મને ફક્ત 500 રૂપિયા આપો, હું તમને મજૂરી કરીને પાછા આપી દઈશ. પરંતુ સરપંચે તેને કહ્યું કે તારે 500 રૂપિયાનું શું કરવું છે તારા પિતાજી મજૂરી કામ કરે છે તો તું પછી મને પૈસા પાછા કેવી રીતે આપી શકીશ?
પવન જવાબમાં કહ્યું કે મારે એન્જિનિયર ની પરીક્ષા બીજી વખત આપવી છે અને એ પરીક્ષા ની ફી રૂપે મારે તમારી પાસેથી રૂપિયા જોઈએ છે એ રૂપિયા હું તમને પાછા આપી દઈશ, ત્યારે સરપંચ કહ્યું કે પહેલી વખત પરિક્ષા આપી ત્યારે નાપાસ થયો છો તો હવે તારા પિતાજી ભેગો મજૂરી કામ કરવા લાગે હમણાં જ તારી બેન ના લગ્ન પણ આવશે તો એના માટે તારા પિતાને મદદ કર.
પવને ખૂબ જ આજીજી કરી પરંતુ સરપંચ ના પાડી, પવનનો ચહેરો રડવા જેવો થઈ ગયો. ચહેરા પરના હાવભાવ જોઈને સરપંચ ની પત્ની સરપંચ ને કહ્યું કે દઈ દો તેને ૫૦૦ રૂપિયા, આપણ ને એમાં કંઈ ફેર નહિ પડી જાય. બિચારો પાસ થઈ જશે તો તેની જિંદગીમાં ખૂબ કામ આવશે અને સરપંચની પત્નીએ પોતાના પર્સમાંથી જ 500 રૂપિયા કાઢીને પવન ને આપ્યા એટલે પવકોને કહ્યું કે હું તમારું આ અહેસાન જીવનભર નહીં ભૂલું.પવને બીજી વાર ની પરીક્ષા નું ફોર્મ ભરી દીધું. અને તેના પિતા તેને ઠપકો આપતા રહ્યા કે ઘર નું તો માંડ પૂરું કરીયે, અને તું દેણું કરી ને પરીક્ષા દેવા ચાલ્યો છો? પણ પવનની માતાએ તેના પિતાજી ને સમજાવ્યું એટલે પિતા હવે પવનને ભણવા માટે સમય આપવા લાગ્યા. અને પવન પણ રાત દિવસ જોયા વગર ભણવામાં લાગી ગયો.
પરીક્ષા ની તૈયારી પૂરજોશમાં કરવા લાગ્યો, થોડા દિવસ માં પરીક્ષા આપી અને ફરી પાછો પવન પિતાજી ની સાથે મજૂરી કરવા જવા લાગ્યો. કારણ કે વળી પાછો નાપાસ થાય તો સરપંચ ને પાંચસો રૂપિયા પાછા આપવા ક્યાંથી? થોડા સમય પછી પવન ના ઘર આંગણે એક સફેદ કલરની મોટર આવી ને ઉભી રહી, ત્યારે પવન અને તેના પિતા બપોરે જમવા માટે ઘરે આવ્યા હતા.
દરવાજો ખખડાવતા તેના પિતા એ દરવાજો ખોલ્યો ત્યારે મોટરમાં આવેલ ભાઈ એ પૂછ્યું કે પવન ભાઈ અહીંયા રહે છે? ત્યારે તેના પિતા એ કહ્યું કે હા તે અહીંયા જ રહે છે, આટલું બોલી ને તે પવન પાસે આવે છે. અને કહે છે કે તું શું કરી ને આવ્યો છે? મોટી મોટી મોટર લઇ ને તને લેવા આવ્યા લાગે છે.
ત્યારે પવન બેઠો થઇ ને બહાર આવે છે. ત્યાં એ લોકો ઘર માં દાખલ થઇ ચુક્યા હોય પવન ને પુછે છે કે પવન તમારું નામ છે? જવાબ માં હા પાડતા જ સામેની વ્યક્તિ એ તેને અભિનંદન આપતા કહ્યું કે તમારો આખા રાજ્ય માં પહેલો નંબર આવેલ છે. અને અમે લોકો પત્રકાર છીએ. હવે તમે તમારા વિશે કહો જે અમે પેપરમાં છાપી શકીએ.
તમારો એક ફોટો પણ જરૂર થી આપજો, આ ખુશ ખબર સાંભળી ને પવનને પણ વિશ્વાસ નહોતો આવતો કે હું આખા રાજ્ય માં પ્રથમ આવ્યો છું. ખુશી માં એના રુવાડા ઉભા થઇ ગયા! અને તેના પિતાજીતો જાણે દિવસમાં તારા જોતા હોય એમ કંઈ બોલી જ ના શક્યા.
આખો પરિવાર જાણે હર્ષોલ્લાસ માં આવી ગયો. અને આખું ગામ પવનના ઘર ની સામે ઢોલ નગારા લઇ ને આવી ગયું. અને મોટા ઉત્સવ જેવું વાતાવરણ થઇ ગયું. સાથે સરપંચ અને તેના પત્ની પણ આવ્યા તે આવતા જ પવને પહેલા તેના પગે લાગી ને આશીર્વાદ માગ્યા, અને કહ્યું કે પાંચસો રૂપિયા ની કિંમત તમારે મન થોડી હશે. પણ જુવો આ પાંચસો રૂપિયા ની કિંમત મારા માટે કેટલી મોટી છે. સરપંચ તેને ભેટી પડ્યા તે તો આખા ગામ નું નામ રોશન કર્યું, અને બધા ઢોલ નગારા ના તાલે ખુશી મનાવવા લાગ્યા.
Comments
Post a Comment